
કચ્છમાં મેલેરિયા-ડેન્ગ્યૂના કેસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ, 25 વેક્ટર કન્ટ્રોલ ટીમોને મંજૂરી
કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી 6 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તાજેતરના વરસાદ બાદ મચ્છરોના ઉપદ્રવમાં વધારો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્ટર કન્ટ્રોલની કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરથી કચ્છ જિલ્લામાં વેક્ટર કન્ટ્રોલ માટે કુલ 25 ટીમોને મંજૂરી આપવામાં આવી છે. આ ટીમો દ્વારા મચ્છરોના ઉત્પત્તિસ્થળો શોધવા, જરૂરી નિયંત્રણ કામગીરી કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાખવામાં આવશે.
ભુજ અને ગાંધીધામમાં ખાસ ટીમો તૈનાત થશે
મંજૂર થયેલી ટીમોમાંથી ભુજ તાલુકા માટે 7 ટીમો, જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તાર માટે 5 ટીમો કામગીરી કરશે. વરસાદ બાદ પાણી ભરાવાના સ્થળો અને મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ બનેલા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા અને મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
કચ્છમાં મેલેરિયાના 32 કેસ
જાન્યુઆરીથી 6 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ કચ્છ જિલ્લામાં મેલેરિયાના કુલ 32 કેસ નોંધાયા છે. તેમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં 25 અને શહેરી વિસ્તારોમાં 6 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં જણાવાયું છે.
તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ભુજમાં 3, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 1, મુંદરામાં 4, અંજાર, માંડવી અને રાપરમાં 3-3 તથા અબડાસામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે લખપત તાલુકામાં આ સમયગાળા દરમિયાન મેલેરિયાનો એકપણ કેસ નોંધાયો નથી.
ડેન્ગ્યૂના 26 કેસ નોંધાયા
આ સમયગાળા દરમિયાન કચ્છમાં ડેન્ગ્યૂના પણ 26 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ભુજ તાલુકામાં નોંધાયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ભુજમાં ડેન્ગ્યૂના 13 કેસ, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 4 અને અંજારમાં 4 કેસ નોંધાયા છે. મુંદરામાં 3 કેસ જ્યારે લખપત અને ભચાઉ તાલુકામાં એક-એક કેસ નોંધાયો છે.
વરસાદ બાદ મચ્છર ઉત્પત્તિ પર ખાસ નજર
તાજેતરમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ બાદ ખાડા, ખુલ્લા વાસણો, ટાંકા અને અન્ય જગ્યાએ પાણી ભરાઈ રહે તો મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત હોટસ્પોટ વિસ્તારોમાં વેક્ટર કન્ટ્રોલની કામગીરીને વધુ અસરકારક બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોની સ્થિતિ પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યો છે.
વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ અને નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવશે.









